પેટ્રોલ પંપ પર કામ કરતા બે લોકોને આજે વાતો કરતા સાંભળ્યા. એ બંનેને આનંદ એ વાતનો હતો કે તહેવારના દિવસોમાં તેમણે 80 રૂપિયામાં ચાર શાક, બે ફરસાણ અને એક મીઠાઈ ખાધી. અને એટલામાં એમનો તહેવાર સુધરી ગયો. માસ્કથી ઢંકાયેલા ચહેરા પાછળથી પણ એમનું સુખ કોરોનાની જેમ સ્પ્રેડ થતું'તું.
આપણી Unsatisfied desires ની પેલે પાર એક જગત આવું પણ છે જ્યાં લોકો ફક્ત survival mode માં જીવતા હોય છે. એમને મેળામાં ન જઈ શકવાનો, નવરાત્રી ન ઉજવી શકવાનો કે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ ન કરી શકવાનો અફસોસ નથી હોતો. તેઓ ફક્ત survive થયા નું સુખ ઉજવવા માં વ્યસ્ત હોય છે. આજ નો દિવસ જીવી ગયા, પેટ ભરી ને ખાઈ લીધું, આજ નો દિવસ survive કરી ગયા, એ વાત નો આનંદ. આવતી કાલે ફરી પ્રયત્ન કરશું, આવતી કાલ નો દિવસ survive કરવાનો.
સુખ કેટલું સબ્જેક્ટીવ હોય છે નહીં ? ગામડામાં રહેતા કેટલાય લોકો તહેવારોની ઉજવણી તીખા ભૂંગળા-બટેટા અને પાણીપુરી ખાઈને કરશે, તો કેટલાક આખી રાત પત્તા રમીને. નજીકના કોઈ દરજી પાસે તહેવારો માટે ખાસ સિવડાવેલા એક જોડી કપડા અને નવા નક્કોર માસ્ક પહેરીને પણ કેટલાક લોકો તહેવારની અંદર પ્રવેશી શકે છે.
રસ્તા પર રહેલી લારીમાંથી લીધેલા લાલ કે પીળા રંગના ‘ચશ્માં’ પહેરીને પોતાની પ્રિય વ્યક્તિ ને વીડિયો કોલ કરવાનો આનંદ કદાચ એટલો જ આવતો હશે જેટલો આનંદ આપણને માલદીવ્સના એરપોર્ટ પર લેન્ડ થતી વખતે આવે છે.
આ દુનિયાનો દરેક વ્યક્તિ સુખી એટલા માટે જ છે કારણકે સુખ ક્યારેય standardized નથી હોતું, હંમેશા customized જ હોય છે. માવા ખાઈને લાલ-પીળા થઈ ગયેલા દાંત બતાવીને પણ લોકો આનંદથી સેલ્ફીઓ લેતા હોય છે અને અપલોડ કરતા હોય છે. લાખોનું ફેન ફોલોઈંગ ધરાવતી કોઈ સેલેબ હોય કે ૧૫૦ જણાનું ફ્રેન્ડ લીસ્ટ ધરાવતો કોઈ સામાન્ય માણસ, ખુશ રહેવું કે જાતને ગમવું એ કોઈની મોનોપોલી નથી. કોઈના ઉધાર માંગીને કે પૈસા વ્યાજે લઈને પણ નવો નક્કોર ‘બુશકોટ’ પહેરીને તહેવારોની ઉજવણી કરવાની કળા માણસના જીવતા હોવાની નિશાની છે એ વાત તો નક્કી.
આ દુનિયા પર નું સૌથી મોટું સુખ 'existence' નું છે. આઈ. સી. યુ ના બેડ પર હાઇ ફ્લો ઓક્સિજન લેતી વખતે કે કોવિડ ના પોઝીટીવ રિપોર્ટ પછી આવનારી દરેક સવાર જોઈ ને આપણાં મન માં 'wow , આજે પણ જીવતા છીએ! ' ની જે ટોપ ફીલિંગ આવે, એ જ આ પૃથ્વી પર નું અલ્ટીમેટ સુખ છે. નાની મોટી ઈચ્છાઓ ફળે કે ન ફળે, પણ જીવતા હોવાની એ ફીલિંગ જ શ્રેષ્ઠ છે.
ઉજવણી કરવા માટે કોઈ ‘ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ’ લાગુ નથી પડતી. જાતને ખુશ રાખી શકાય, એ બધા તહેવારો જ કહેવાય.
આ સંગીત ત્યાં સુધી જ છે, જ્યાં સુધી ફેફસાંની વાંસળી માં થી હવાની અવરજવર થઈ રહી છે. સંગીત ક્યારે અચાનક બંધ થઈ જશે, પડદો ક્યારે પડી જશે અને આપણા કેરેક્ટર નો 'ધ એન્ડ' ક્યારે આવશે, એ કોઈને નથી ખબર. તાળીઓના ગડગડાટ શમી ગયા બાદ, કાયમી નિરાંતની ચાદર ઓઢીને સૂતા રહીશું.
ત્યાં સુધી પરફોર્મ કરતા રહીએ. શ્વાસની અવર જવર થઈ શકે છે, ત્યાં સુધી દરેક ક્ષણ આપણા માટે તો તહેવાર જ છે.
-ડૉ. નિમિત્ત ઓઝા
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો