ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 16 એપ્રિલ, 2019

'' રે પંખીડા સુખ થી ચણજો '' મારા ગામના શેઠ ની વાર્તા સંજય ભટ્ટ

મારા ગામના શેઠ ની વાર્તા સંજય ભટ્ટ 
-----------------
રે પંખીડા.....રાજેશ પટેલ...મુંબઈ...

'' રે પંખીડા સુખ થી ચણજો ''
કલાપીનગર લાઠીની માટીમાં કલાપીની કોમળતા સર્વત્ર વ્યાપી છે, જ્ઞાન, પ્રેમ અને સત્યના એ ઉપાસકની પરમ ચેતના આજે પણ અનુભવી શકાય છે. કલાપી જેવી જ હૃદયની કોમળતા અને ઉચ્ચ માનવ મુલ્યો લઈને 17-1-1953 માં માતા રળિયાત મા અને પિતા રૂડાભાઈ ધોળકીયાના ઘરે લાઠીમાં જન્મેલા મનજીભાઈને પણ કલાપીની જેમ શાળાકીય અભ્યાસ માં મન નાં લાગ્યું, બાળપણથી પ્રકૃતિ, પ્રાણીઓ, પક્ષીઓ, અને માણસોની મનોસ્થિતિ તરફ અનુકંપા જન્મી, તેમણે 4- ધોરણ સુધી અભ્યાસ કરીને 14-વર્ષની ઉંમરે જ પિતાના પરંપરાગત ખેતીના વ્યવસાય માં પિતાને સાથ આપવાનું શરુ કર્યું, સૌરાષ્ટ્રનો અમરેલી જીલ્લો એ સમયમાં કુદરતનો કોપ જીલતો હોય એમ બહુ ઓછો વરસાદ અને વારંવાર પડતા દુષ્કાળે, જીવમાત્ર માટે જીવવું મુશ્કેલ કરી દીધું હતું, ખેતીમાં સતત પાણીની ખેંચ દિવસ-રાત આખા પરિવારની તનતોડ મહેનત પછી પણ બે ટાઈમના રોટલા મેળવવા માં પણ બહુ તકલીફ પડતી હતી, ત્યાં ઢોર-ઢાખર ને ચારો અને પક્ષીઓને ચણ નાખવાની તો વાત જ ક્યા કરવી, બાર તેર વરસની ઉમરથી ખેતરમાં કામ કરતા મનજીભાઈને પિતા એ મોલાતનું રક્ષણ કરવા અને પ્રાણી પક્ષી નુકસાન ન કરે તેની કાળજી રાખવાની જવાબદારીઓ સોંપી હતી, પણ કલાપીની કોમળતાનો એક કણ પોતાના માં ધારણ કરીને જન્મેલા મનજીભાઈનો અલગારી આત્મા ખેતરને શેઢે બેસીને વિચારે કે ખેડૂત તો જગતનો તાત: કહેવાય જીવ માત્રના પેટ ભરવા કાળી મજુરી કરનાર આપણા વડવાની પુણ્યાય થકી તો આપણને આ જમીન મળી છે, મુઠ્ઠી ધાન આ પંખીડા ચણી જાશે તો એમાં શું ફરક પડી જવાનો છે, અને વાત પણ સાચી છે, કીડીને કણ અને હાથીને મણ આપનારા તો પરમપિતા પરમેશ્વર છે, આપણે કોણ ? પણ દુષ્કાળનો સતત સામનો કરતા એ સમયના ખેડૂત પરિવારો માટે આ દાતારી પોષાય તેમ નહોતી, જો ગોફણી લઈને પક્ષીને ઉડાડે નહિ તો પરિવારને શું ખવરાવશે ? એ ચિંતા પણ વ્યાજબી હતી, આ વરસના દાણા બચાવીને કોઠી ભરે પછી આવતું વરસ કેવું જશે તેની કોઈ ખાતરી નહોતી દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગો, અને વહેવાર સાચવવા માં ખેડૂત ક્યારેય ઉંચો જ નહોતો આવતો, એ જમાનામાં ખેતી પણ એટલી સમૃદ્ધ નહોતી દેશી પધ્ધતિથી ખેતી થતી, અને વરસાદ ઉપર જ આધાર રહેતો સીજનમાં માંડ એક કે બે વાર પાક ઉગાડી શકાતો, એટલે જગતનો તાત બહુ મજબુર હતો, તે છતાં'ય ખળું લેવાય ત્યારે ગામના, બાવા-સાધુ, ભગત, હરીજન, મોચી, મિસ્ત્રી, દરજી, વાળંદ, લુહાર અને મંદિરોના પુજારી થી લઈને બ્રાહ્મણો સુધીના ને હસતા મુખે સુંડલા ભરીને ધાન આપતો, આ બધા જ વર્ણના લોકો સાથે ખેડૂતને અરસ પરસ વહેવાર રહેતો, બદલામાં આખું વરસ તે લોકો પણ ખેડૂતને ઉપયોગી થતા સૌરાષ્ટ્રના સામાજિક જીવનમાં ખેડૂત બહુ મોટી ભૂમિકા અદા કરતો અને અઢારે'ય વર્ણના લોકોમાં સદભાવ જળવાતો.....

         ઉભા પાકને રોજડા, ભૂંડના ટોળા, કે રેઢીયાર પશુ બહુ મોટું નુકસાન કરતા, તો ક્યારેક જીવાતો નો ઉપદ્રવ, અને તીડના ટોળા તૂટી પડતા અને જુવાર, બાજરી, ઘઉંના ડુંડાનો સોથ વાળી દેતા, એ સમયે ખેતરમાં ચાડીયા બનાવીને શેઢે શેઢે ઉભા કરવામાં આવતા, જેથી પશુ તો દુર રહેતા પણ ભૂખ્યા પંખીના ટોળા ને ઉડાવવા માટે માંચડો બનાવીને એની ઉપર એકાદ છોકરાને ગોફણ લઈને બેસારવા માં આવતા...

           મનજીભાઈનો વારો જ્યારે પંખી ઉડાડવાનો આવતો ત્યારે તેમને કલાપીની કવિતાઓ યાદ આવતી, છોડી દે ને તુજ કર થી પથ્થરો, ગોફણી આ, મારે આવી મુજ ચમનમાં જોઈએ ક્રુરતા ના, અને બાળ મનજીભાઈનું મન પણ કુદરત, પ્રકૃતિ, અને માનવજાતિની વિટંબણાઓ સમજવા અધીરું બની જતું મનમાં એક મનોમંથન ચાલતું આ પરિસ્થિતિને કેમ ન બદલી શકાય ? પ્રાણીઓ ગમે તેમ પોતાનું પેટ ભરી લે, માણસ ગમે ત્યાં થી રસ્તો કરી લે અરે પોતાનો હક મેળવવા આંદોલનો કરે પણ આ નિર્દોષ પક્ષીઓ નું શું ? એ ક્યા જાય ! કોની પાસે પોતાની વેદના પ્રગટ કરે? પંખીનું દર્દ કોણ સમજે ! અને મનમાં કરુણાના ઝરણા ફૂંટતા અને મનજીભાઈ મનોમન ગાઈ ઉઠતા, રે પંખીડા સુખથી ચણજો, ગીતવાં કાંઈ ગાજો, શાને આવા મુજ થી ડરીને ખેલ છોડી ઉડો છો, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાં નાં કો'દિ તવ શરીરને કાંઈ હાની કરું હું !

           લાઠી પહેલેથી જ બહુ ભાગ્યશાળી રહ્યું છે કે લાઠીના સ્થાપક લાખાજી ગોહીલથી લઈને વીર હમીરજી ગોહીલ, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' અને હાલના ઠાકોરસાહેબ શ્રી, કીર્તિકુમારસિંહજી ગોહિલ સુધીના મોટાભાગના શાસકો ધર્મ, આધ્યાત્મ, કળા, સાહિત્ય શિક્ષણ સાથે ઉચ્ચ માનવમુલ્યોના ચાહક, પૂજક અને સંવર્ધક રહ્યા છે, પરિણામે લાઠીના લાખેણા માણસોમાં આ સંસ્કારો બહુ સાહજિકતા થી ઉતરી આવ્યા છે, અને જીવનમાં વણાય ગયા છે...

             તેર વરસની બાળ ઉંમરે પરિવારની સાચી પરિસ્થિતિ પામી ગયેલા મનજીભાઈએ ખેતી છોડીને લાઠીમાં જ નવું નવું શરુ થયેલું હીરા ઘસવાનાં કારખાનાં માં કારીગરી કામ શીખવાનું શરુ કર્યું, એક જ નિર્ધાર હતો કે ગમે તેમ આર્થિક રીતે સદ્ધર થવું અને પરિવારને ઉપયોગી થવું તનતોડ મહેનત કરનાર મનજીભાઈનો જીવન મંત્ર છે, ''તક ને ઝડપી લ્યો તો તકદીર બની જાય, મહેનત એવી કરો કે નસીબ પણ બદલાય જાય '' બાળપણથી જ તેમને ઇષ્ટદેવી માં ભવાનીમાં અખૂટ શ્રદ્ધા અને માતાને પણ મનજીભાઈ માં રહેલા અલગારી આત્મા પ્રત્યે વિશેષ પ્રેમ એટલે માં ની કૃપા થઇ બહુ જલ્દી હીરામાં પેલ પાડવાનું શીખી ગયેલા મનજીભાઈ 1966-માં સુરત આવ્યા અને અહીં તેમને બહુ મોટું પ્લેટફોર્મ મળ્યું 1972 સુધીમાં તો તેમણે કાચા હીરા ને પારખવાની, વિવિધ આકારો આપવાની અને પોલીશ હીરાને વેચવા સુધીની, હીરા ઉદ્યોગની તમામ માહિતી અને કુશળતા મેળવી લીધી હતી, દિવસ રાત મહેનત કરીને 1972 થી 1977 સુધીમાં ભાવનગરમાં હીરા ઘસવાનું 2- ઘંટીનું પોતાનું કારખાનું શરુ કર્યું, ભાવનગર એ સમયે ચોકી ના હીરાનું મોટું મથક બનતું જતું ને મનજીભાઈએ પોતાની કુશળતા અહીં સ્થાપિત કરી દીધી, ભણતર ઓછું પણ જીવનનું સાચું ગણતર શીખી ચુકેલા મનજીભાઈ જોત જોતામાં પ્રગતિના નવા સોપાન સર કરવા લાગ્યા, પરિવારના ભાઈ ભત્રીજાઓ સાથે સખત પરિશ્રમ કરી રહેલા મનજીભાઈનો કસોટી કાળ શરુ થયો, હીરામાં 1979-માં ભયંકર મંદી આવી, એ મંદીમાં સૌથી વધુ ખરાબ હાલત હીરા ઘસતા કારીગરોની થઇ, બધા કારખાનાઓ બંધ થવા માંડ્યા, ઓછું કામ મળવા માંડ્યું, મજુરીના ભાવોમાં ઘટાડો થવા માંડ્યો, આવકો ઘટવા માંડી બેકારી થી કંટાળેલા કારીગરો વ્યસની બનવા માંડ્યા, ત્યારે મનજીભાઈએ કારીગરોની મજુરીના ભાવો માં એકપણ રૂપિયાનો ઘટાડો ન કરીને સતત કામ મળી રહે અને મહિનાની એક થી પાંચ તારીખ સુધીમાં કારીગરોને પગાર મળી રહે એ માટેની નવી વ્યવસ્થા ઉભી કરાવી, એ સમયે હીરાના કારીગરોને શેઠ ઉધારમાં લોન આપતા હતા, જેને બાકી કહેવામાં આવતી અને દર મહીને થોડા થોડા રૂપિયા પગારમાં થી કપાવીને એ કરજ ચૂકવી શકાતું, મનજીભાઈએ પોતાના કારીગરોને નાત-જાતના તમામ ભેદભાવ થી ઉપર ઉઠીને હંમેશા પોતાના સાથી ગણ્યા છે, અને આજે પણ તેમની કંપનીમાં સમાજના વિવિધ જ્ઞાતિના કારીગરો પૂરી વફાદારીથી કામ કરે છે, અને યોગ્ય મહેનતાણું મેળવે છે, પોતાની કુશળતા અને લાયકાત સિદ્ધ કરનારા અનેક લોકોને મનજીભાઈએ સહયોગ આપીને કારખાના શરુ કરાવી દીધા છે, તો અમુકને પોતાની કંપનીમાં ઉચ્ચા હોદા પર બેસારીને તેમનું સન્માન કર્યું છે, બસ ભાતૃભાવ ને કારણે જ 1978-થી 1987 સુધીમાં તો સિંગલકટ હીરાના ઉત્પાદનમાં મનજીભાઈ એ માસ્ટરી મેળવી ને પોતાનું સ્થાન એકદમ મજબુત કરી લીધું 1983માં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રવેશ્યા પછી, તો બહુ જડપી પ્રગતિના એક પછી એક સોપાન સર કરી લીધા, પરિશ્રમ અને પ્રારબ્ધનો સાચો તાલેમેલ જ પ્રગતિનો રાજમાર્ગ છે, આ સત્ય સમજી ચુકેલા મનજીભાઈ એ માં ભવાનીના આશીર્વાદ લઈને 1988-માં '' ભવાની જેમ્સ પ્રાયવેટ લીમીટેડ '' કંપનીની સ્થાપના કરી, હીરાના વિવિધ આકારોમાં, ચોકી, પ્રિન્સેસ, આકારના હીરાનું ઉત્પાદન શરુ કર્યું નવી ટેકનોલોજી અને નવા સાધનો વસાવીને તેમણે ઉત્પાદનમાં માસ્ટરી મેળવી લીધી હતી એક સમયે 5000- કારીગરો જે કામ એક દિવસમાં પૂરું કરે એટલું જ કામ ભવાની જેમ્સના 2250- કારીગરો પૂરું કરી અપાતા, ટૂંકમાં સમય, અને પૈસાની મોટી બચત થતી ગઈ, સાહસે વરતી સિદ્ધિ, ને સાચા અર્થમાં ચરિતાર્થ કરનાર મનજીભાઈ ઉત્પાદનના બાદશાહ ગણાવા માંડ્યા, 1993-માં ભવાની જેમ્સ નું ઉત્પાદન હતું એના થી અડધું ઉત્પાદન પણ ઇન્ડિયા માં કોઈ કંપની કરી શકતી નહોતી, રફ હીરાની સૌ થી મોટી સપ્લાયર કંપની ડી-બીયર્સ એ આ જાણ્યું ત્યારે પોતાના નિયમોમાં થોડા ફેરફાર કરીને પણ ભવાની જેમ્સને સાઈટ હોલ્ડર બનાવીને હીરા ઉદ્યોગમાં મોટી પ્રતિષ્ઠા આપી. 1996માં ભવાની જેમ્સ કોર્પોરેટ કંપની બની સુરત, ભાવનગર, અમદાવાદ, બાબરા, અને લાઠીમાં પોતાના પ્રોડક્શન હાઉસ ખોલ્યા, નવી ટેકનોલીજી સાથે માનવીય અભિગમ ભળતા મળેલા અદભૂત પ્રતિભાવના રૂપે આજે ભવાની જેમ્સ એ હીરા ઉદ્યોગની બહુ મોટી અને પ્રતિષ્ઠિત કંપની તરીકે સ્થાન પામી છે. જેમાં મનજીભાઈની ઉંડી સમજ, સાહસ, અને વ્યવહાર દક્ષતાના દર્શન થાય છે. એક રીતે કહીએ તો મનજીભાઈ, હીરા અને માણસ બન્ને ને પારખતા સાચા ઝવેરી છે. તેમના વ્યક્તિત્વની બીજી ઘણી ઉજળી બાજુ સમાજ સામે નથી આવી શકી, તેમણે સમાજના વિવિધ ક્ષેત્રોમાં કરેલા દાન અને સહાય ને કારણે સામાજ તેમને ભામાશા તરીકે ઓળખે છે, વતન પ્રત્યે મોહબ્બત તો બધાને હોય પણ વતનની કાયા પલટ કરી નાખનારા અને વતનના બધા જ કોમના લોકોને રોજગારી પૂરી પાડી ને વતનનું ઋણ ચૂકવનારા તો મનજીભાઈ જેવા વિરલા કોઈક જ હશે !! તેમના પ્રેરણાત્મક જીવન વિષે ઓટોબાયોગ્રાફી લખાય, અને ડોક્યુમેન્ટરી ફિલ્મ બને ત્યાં સુધી રાહ જોવી પડશે !......

             પણ મારે તમને મનજીભાઈના વ્યક્તિત્વના એક અલગ જ પાસા ની વાત કરવી છે. બાળપણમાં પારિવારિક પરિસ્થિતિને કારણે લાઠીની જે વાડીએ પક્ષીઓ પ્રત્યે અનુકંપા, કરુણા વહી હતી એ જ વાડીમાં વર્ષો થી તેમણે અમુક વીઘામાં બધીજ સીજનના અલગ અલગ ફ્રુટ ના ઝાડ વાવ્યા અને એક નિયમ બનાવ્યો કે આ બાગ માં થી એક પણ ફળ કે શાકભાજી વેચવાના નહી, લાઠીના નગરજનો આ ભવાનીફાર્મમાં આવીને ફળો ખાય શકે પણ એકપણ ફળ ઘરે લઇ જવાનું નહી, આ તમામ ફળના ઝાડ તો લાઠી આસપાસના પક્ષીઓ માટે ઉગાડવામાં આવે છે, તેની યોગ્ય જાળવણી કરવા માં આવે છે, આ વિચારના મૂળિયા મનજીભાઈનાં મનમાં બાળપણમાં વવાયા હતા, ત્યારે ભલે પરિસ્થિતિ સારી નહોતી પણ આજે કુદરતે 1000 ગણું આપ્યું છે, અને પંખીડા તો કુદરતના ઘરેણા છે, એની જરૂરિયાત પણ કેટલી ? એ ક્યાં સંગ્રહ કરે છે, અને કુદરત પર શ્રદ્ધા રાખીને જીવે છે, એની કાળજી આપણે નહી રાખીએ તો કોણ રાખશે ! આવા સુંદર મનોભાવ સાથે મનજીભાઈ આ બાગને લીલોછમ રાખે છે..હવેના સમયમાં ખેતી માં મોટો સુધારો આવ્યો છે, હવે અનાજ કે ધાન ની ખેતી ઓછી અને કાંદા, કપાસ જેવા પાકો વધુ લેવામાં આવે છે, જે માં પક્ષીઓને ખાવા દાણો મળે નહી, ફળો અને ફૂલોના બાગ ઓછા થતા જાય છે અને જંગલો કપાતા જાય છે, ત્યારે મનજીભાઈનું આ પગલું સમાજને પ્રેરણાદાયક બન્યું છે, તેમનું કહેવું છે દરેક ખેડુંએ વધુ નહિ તો થોડા ફળો ના ઝાડ ખેતરમાં અને શેઢે વાવવા જ જોઈએ જેથી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને આશરો મળે, ખોરાક મળે તેમનું જીવનચક્ર આસાનથી ચાલતું રહે ઉનાળાના દિવસો માં તો દરેક ઘરે અને ખતરે પાણીની કુલડી મુકવી જ જોઈએ. આ માણસ જાતની ફરજ ગણાય છે, ભવાની ફાર્મ માં પંખીઓને નિયમિત ચણ નખાય છે વિવિધ પ્રકારના રસિલા ફળો, તો પક્ષીઓ માટે જ હોય એવી રીતે મનજીભાઈ એ ઝાડનો ઉછેર કરાવે છે. બોરસલી અને અમુક ઝાડ તો એ માટે વાવ્યા છે કે એના ફળો માણસો ખાતા નથી, પણ પક્ષીઓને તેમાંથી જરૂરી પોષણ અને પાણી મળી રહે છે. બાગમાં નિરાંતે પેટ ભરીને જાતજાત ના પક્ષીઓ કેકારવ અને કલરવ કરે અને ઉડી જાય, આ આખી અનોખી પ્રવૃત્તિ માટે મનજીભાઈ માં રહેલા એક કરુણાવાન પુરુષ ના દર્શન થાય છે, કલાપીએ વર્ષો પહેલા લાઠીમાં આવું સત્કાર્ય સુરતાની વાડી, સ્થાપીને કર્યું હતું આજે એજ પરંપરાને શેઠશ્રી મનજીભાઈ આગળ વધારી રહ્યા છે, વાડીની તમામ પ્રવૃતિઓ તેમની વિશેષ દેખરેખ માં થાય છે, અને દરેક ઝાડની પસંદગી પણ તેઓ જ કરે છે. તેમનું સ્પષ્ટ પણે માનવું છે કે આવકના દસમાં ભાગનું માણસે સત્કાર્ય કરવું જ જોઈએ, પોતાના ભાઈ ભાંડું, પરિવાર, ગામ અને પછી દેશને સહાયભૂત થવું જ જોઈએ અને કુદરતનું ઋણ આપણે ન ચૂકવી શકીએ, તો કાંઈ નહિ પણ કુદરતી સંસાધનોનો વિનાશ તો ન કરીએ ! લાઠીમાં તમે આજે પણ સવારે પક્ષીઓનો મધુર કલરવ સાંભળી શકો છો, લાઠીની શેરીઓમાં મોરલાના ટહુકાઓ તમે આજેપણ સાંભળી શકાય છે, અને કેકારવ નો ગુંજારવ લાઠીની શાન છે. ભવાનીફાર્મ તો સુરતાની વાડી જ કહી શકાય, તેમનું માનવું છે કે કુદરતના રચેલા વાતાવરણમાં તમામ જીવોને સંકલન સાધીને જીવવાનો એક સરખો અધિકાર છે, જીવમાત્રને યથા યોગ્ય ઉપયોગી બનીએ તો આપણું જીવન યોગી પુરુષ જેવું જ બની જાય ! આ યુગમાં યોગી ન બની શકીએ તો કાઈ નહી પણ કોઈને ઉપયોગી તો બનીએ ! શૂન્ય માંથી સર્જન કરીને બહુ મોટું બીઝનેસ એમ્પાયર ખડું કરનાર, લાઠીના આ ગૌરવશાળી પુરુષનું જીવન આજકાલના યુવાનો માટે આદર્શરૂપ છે, તેમની વિકાસની પરિભાષા માનવતા લક્ષી છે, શેઠશ્રી, મનજીભાઈ ધોળકિયાને મળીને ખુબ ખુબ આનંદ થયો, તેમની પાસે થી ઘણી પ્રેરણા અને સુંદર વિચારો મેળવ્યાનો આનંદ પ્રગટ કરું છું.તેમના જીવન વિષે વધુ લખવાની બહુ ઈચ્છા છે, પણ સમય, સંજોગ, અનુકુળ બનશે ત્યારે વધુ લખીશ !! હાલ, મુઠ્ઠી ઊંચેરા માનવી શ્રી, મનજીભાઈને વંદન કરીને વિરમું છું !

 લેખક - રાજેશ પટેલ......( મુંબઈ )
ફોટો- વસીમ વહાલા તરફથી ( ભાવનગર )

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી